ભુજનુ સ્‍થાપત્‍ય અને સોંદર્ય  

        સ્‍થાપત્‍ય એ થીજી ગયેલુ કાવ્‍ય છે. એમ કોઇ સોંદર્યવેતાએ કહયુ છે આ વાત સાચી છે. સ્‍થાપત્‍ય એ સોંદર્યની પુંજ છે. તેને જેટલુ માણતા આવડે તેટલી તેની અનુભુતિ સઘન થાય છે. અને આનંદના મહાસાગરમાં તરવાનો જીવવાનો પરમ લાભ મળે છે.

 

        સામાન્‍ય રીતે કચ્‍છને રણ કહેવાય છે. તે અર્ધ સત્‍ય છે. કચ્‍છ રણ નથી કચ્‍છમાં રણ છે. એક નાનકડો વિસ્‍તાર બાકીનો પ્રદેશ લોકોના હૈયા અને તેની ભાવનાઓથી હરીયાળો છે. તે સાથે સ્‍થાપત્‍ય અને શિલ્‍પથી કચ્‍છનો ખુણેખુણો જગમગે છે. કોઇ વેરાન કે નિર્જન જગ્‍યા પર મંદિર, મસ્જિદ કે વાવ નુ સથાપત્‍ય તે સ્‍થળને શોભા આપે છે.

 

        ઈતિહાસમા પણ કચ્‍છની સ્‍થાપત્‍ય કળા વિકાસમા ફાળો આપ્‍યાની નોધ લઇએ તો દક્ષીણની મણીમેખલા નામની તામીલ કથામાં કચ્‍છના સ્‍થપતિઓએ દક્ષીણમાં મંદિરો બાંધ્‍યા હતા એવો ઉલ્‍લેખ છે. વળી કચ્‍છની પ્રા‍ચિનતાના કારણે ગુપ્‍ત કાળથી સોલંકી કાળની શિલ્‍પ તથા સ્‍થાપત્‍યની અનન્‍ય શૈલીની મહત્‍વની કળીઓ પણ અહીથી મળે છે. તેવુ નિષ્‍ણાંતો કહે છે.

         કચ્‍છના કોટાય, કંથકોટ, આયનામહેલ વગેરેના સ્‍થાપત્‍ય – શિલ્‍પો તો હવે વિસ્‍વ વિખ્‍યાત થવા લાગ્‍યા છે. તેઓ સંશોધન અને આકર્ષણના કેન્‍દ્ર બન્‍યા છે. તે વિષે  ટુંકમા લખવુ કઠીન છે. તેથી વિષયને મર્યાદીત કરી અહી કચ્‍છના પાટનગર ભુજના સ્‍થાપત્‍ય – શિલ્‍પો વીષે જ જણાવવાનો પ્રયત્‍ન છે. વળી તેનો ઈતિહાસ અને પુરાતત્‍વને બાજુમાં રાખી તેમા જે સોંદર્ય છુપાયેલુ છે – જે જોવા છતા કયારેક નથી જોઇ શકાતુ માત્ર છીછરૂ દર્શન થાય છે – તેને વાચા આપવાનો પ્રયત્‍ન છે થોડા ઉંડાણથી જોવાની છુપી વીનંતી છે. બીજુ, આપણી આસપાસ વેરાયેલ સોંદર્ય તરફ ધ્‍યાન જાય તે બીજો હેતુ છે. ભુજમાં પણ અગણીત સ્‍થળે સ્‍થાપત્‍ય ના નમુના છે : તે નમુનાજ દર્શન માટે જ પસંદ કર્યા છે અને કેટલાકનુ અંગુલી નિર્દેશ કર્યો છે તે બધાને  “જંમ્‍પીગ બોર્ડ” બનાવી, બીજાને શોધી નિરખવા જોઇએ તેવી અવ્‍યકત કામના પણ છે સોંદર્યની અખીલાઇનુ આછુ પાતળુ ભાન, તેની જાગૃતિ, આપણને આંનંદ લોકમા લઇ જશે. તો,ચાલો, ભુતકાળના ભવ્‍ય સોંદર્યધામોમાં ભુલા પડવાનુ નિમંત્રણ છે.

Leave a Reply