છતરડી-ભુજ
December 22, 2007
v છતરડી-ભુજ
મહાદેવ નાકો બહાર આવેલ રાજકુટુંબની છત્રીઓએ વિષ્વના કળાપ્રેમીઓનુ ધ્યાન ખેચે છે. દેશ વિદેશથી લોકો તેના કળા વૈભવને માણવા આવે છે. અને તનાથી તર બને છે.
વિવિધ છતરડીઓ રાવ લખપતજીની છતરડી સ્થાપત્ય શિલ્પનો શ્રેષ્ઠ નમુનો છે. લાલ પત્થરથી બાંધેલા આ છતરડીઓ મા મધ્ય રૂમની આસપાસ ફરતી ચાલી છે. તેના દરેક ખુણા પર થાંભેલા છે. જેના પર શિલ્પોનો ભંડાર છે. બહાર – અંદર- ઉતર – નીચે વિવિધ મૂર્તિઓ આપણા ચિત પર છવાઈ જાય છે. અને એક કલ્પનાસભર જગતમાં આપણે વીચારીએ છીએ.
થાંભલાઓ પર દ્રશ્યમાન છે. હનુમાન ગણેશ વિષ્ણુ બ્રહમા સૂર્ય વગેરે દેવો તો તેમની સાથે નિવાસ કરે છે. સાધુઓ મંજીરા વગાડતા ભકતો બ્રહમાણો નૃત્યમગ્ન નર્તકીઓ તંબૂરમાં સમાધિસ્થ સંગીતકાર કે યક્ષિણીઓ તે આસપાસ હાથીની સૂંઢને યાદ અપાવતી વળાંકાદાર કમાનો પાસે આત્મરત છે. થાંભલાની નીચે પણ વિવિધ દેવોની મૂર્તિઓ બે હાથીઓની લડાઈ નર્તકીઓ ગાયકો વીણા મૃદંગ, ઝાઝ, તબલા ઢોલ, શરણાઈ, શિતાર, તંબુર વગેરે વાધો વગાડતા સ્ત્રી-પુરૂષો, રથ અને માથે સૂર્ય જેવલ ચહેરો, બળદ પર બેઠેલો શંકર, બાણાવાણી પશુ પક્ષીઓ કે સામાજીક દ્રષ્યોનાં પ્રતિકરૂપ વાળ હોળતી સ્ત્રી, અટારી પર બેઠેલા ફિરંગી સ્ત્રી, ફરંગી ધોડેસવાર, બજાણીઆ ત્યા દેખાય છે. આ બધુ જોતા દષ્ટા અને દ્રષ્ય એકાકાર થઈ જઈ વિલિન થઈ જાય છે. અને રહે છે. માત્ર શુધ્ધ દર્શન.
બાજુની છત્રીનુ પીળા પત્થરની બાંધેલા છે. તેનુ કોતરકામ-રજપુત-ઈસ્લામી શિલ્પનુ મિશ્રણ ધરાવે છે તેનુ ચુંબકીય આકર્ષણ આપણને તેના નજીક જવા પ્રેરે છે.
ત્યા દેખાય છે. અનામી શિલ્પઓના મૂદુ-કોમળ ટાંકણા વડે ધડાયેલ, લાલિત્યમય, આપણા સમગ્ર અસ્તિત્વને રસતરબોળ કરતી ઝીણી નકશીયુકત કોતરણી, કઈ જાળી જોવી ને કઈ નહી તેમા દષ્ટા મુંઝાઈ જાય છે. નાનકડી આંખમા કેટલું સૌંદર્ય સમાવવુ મીઠી મુંઝવળ મંત્રમુગ્ધ બની તેની પરીક્રમા કર્યા કરે છે. તમાંની કૂંડા પરની ડાળી ફૂલો આસપાસ ફરતી વેલ જેવી બાંકેબિહારી ડાળીઓ, વેલબુટીઓ, કિનાર પરની પંચકોણી આકૃતિઓ, આસપાસ સીધી-સાદી, સૌંદર્ય-મંડિત થાંભલીઓ જોઈ ચકિત થવાય છે. સ્તંભો પરના પંડપુજો માથી પ્રસરતી સુગંધ માણી મત બનીએ છીએ.
આ નકશીકામ જેવી કોતરણીમાં પણ પોપટ, પંખવાળા સિહ, વાનર, મોર, હાથી, સંગીતજ્ઞ, મહાવત, તારા, પંખો ચલાવતી દાસી, ગંધર્વો અને રાધેશ્યામની ફેરફુદરડી ફરતી આકૃતિઓ કળાના ઝવેરીને ધન્ય ધન્ય કરી દે છે. પાછળ ઉભેલ નાનકડાં મંદિરની કળાત્મક જાળી પણ ધ્યાનાકર્ષક છે.
દરેક છત્રી સૌંદર્ય, જયોત છે. તેની વચ્ચે ફરતાં એક સ્વપન સૃષ્ટિ ઉભી થાય છે. છત્રીના સ્તંભોની રચના, ધાટ, કોતરણી,ઘુમ્મટ તથા વપરાયેલ વિશાળ શિલાઓ મુગ્ધ કરશે છે. દેવતાઓ, પશુઓ, કરાળમૂખો, વગેરેના સમૂહો વચ્ચેથી પ્રગટ થતાં કોમળતા, રસિકતા, આનંદ, ઉમળકા, લાવણ્ય, રૂચિ, રસ, રંગ, અને કળાના મિશ્રભાવો વડે અંતર આનંદથી નાચી ઉઠે છે. શિલ્પ શોભાનોમા કયાક અજંતાના મધુર વળાક છે. તો મૂર્તિકળામા ઈલોરાની મુદ્રાઓના દર્શન થાય છે. શિલ્પ કળાધરોએ ચક્ષુપ્રીય, સંકેતયુકત, વૈભવયુકત, અને ગત્યાત્મક આકૃતિઓનુ ર્નિમાણ કર્યુ છે. જીર્ણ કલેવરની કાયા ઢંઢોળવા આવી ચડનાર કોઈ કળાકાર તેની આ કળા-કારીગીરી જોઈ મુગ્ધ બની ઉઠે છે. અને સ્તંભો પરની નૃત્ય મૂર્તિઓ સાથે નૃત્ય કરી ઉડે છે.
દરબાર ગઢ – ભુજ
December 22, 2007
v દરબાર ગઢ
ભુજ આવતા પ્રવાસીઓનુ મુખ્ય આકર્ષણ છે. ભુજનો દરબાર ગઢ જેમાં પ્રાગમહેલ,ટાવર, આયના મહેલ વગેરે છે.
પાડેસ્વર રોડથી સ્વામીનારયણ મંદિરની પાછળના રસ્તે જતા ડાબી બાજુ દરબારગઢનો દ્રાર આવે છે. તેના સામે ઉભા રહો કે તેના સોંદર્ય કમળની અનુભુતિ થાય છે. ઇતિહાસનુ મુક સાક્ષી આ દરવાજો જયા ભુતકાળમાં પ્રસરેલા સંગીતના સુરો આજે પણ હવા માં ગુંજે છે. તે જાણે બારીઓની આસપાસ થીજી વિવિધ આકાર ધારણ કરી બેઠા છે. દરવાજા પર બન્ને બાજુ પશુ પ્રાણી ગંધર્વ દાસ દાસીઓ પરીઓ તેમની ઉપરની કમાન અને નીચે ની ફુલ વેલની આકૃતિઓ વચ્ચે આનંદ થી વિલસતા દેખાય છે. તેના કઠોળા પણ ઇસ્લામી રજપુત કરાના સંગમ રૂપ ત્રણ દોઢીઓ છે. અંદર પ્રવેશતા ઉપર લાકડાનુ કોતરકામ આંખોને ખેચી રાખે છે.
અંદર આગળવધી ડાબી બાજુ વળો છો અને સામે ઉભો રહે છે. અને ગગનને અનંબવાની આકાંક્ષા રાખતો માનવી પ્રતિભાની ઉતુંગતા દર્શન કરાવતો એક “સામાન્ય” માલમની કળાપ્રીતભાનો નમુનારૂપ ટાવર અને પ્રાગમહલ ઇટાલીયન શૈલીના વીરાટ ટાવર આગળ આપણે એક ક્ષણ વામણાપણુ અનુભવીએ છીએ. પણ બીજી પળે તે જ માનવીની બુધ્ધી પ્રીતભાનુ ભાન કરાવે વછે. વીશાળ પથ્થરોને કસી ટાપટીપ વીના કલાત્મક રીતે ગોઠવી બારીઓ પર સાદા રેખાંકનો અને ઉપર નાના ગોખપર પરથી આપણી દ્રષ્ટિ શીખર તરફ દોરે છે. જમણી બાજુ ચર્ચના મીનારા જેવુ બાંધકામ જેમા નાની દેખાતી બારીઓ તેની શોભા વધારે છે તેના પર ઉભી ભેજની ક્ષીતિજો માપવા જેવી છે. દર ૧૫ મીનીટે સમયની ક્ષણીકતાનુ ભાન કરાવતા ઘડીયારવાળુ ટાવર પોતે કળાની છાતી પર ગૌરવ ભરી મુદ્રાથી ઉભુ છે અને ભવય ભુતકાળને મુંગુ મુંગુ સમરે છે.
બાજુમા મહેલમા પણ વિવિધ રેખાંકનો આકૃતિઓ વગેરેથી દરેક ઓરડા શોભેછે. જાણે જોયાજ કરીએ તેની રેશમી દીવાલો પર જાણે હાથ ફેરવ્યા કરીએ. બારીઓની જાળીઓના ઝીણા રેખાંકનુ કળાની ખુબી વયકત કરે છે. વચ્ચે ડીઝાઇનો ઉપરના અર્ધગોળાકારમાં પ્રાણીઓ મોર વેલ જેવી ડીઝાઇનો પણ કલાકારની સુક્ષ્મ દષ્ટિ અને કુશળતાના દર્શન કરાવે છે. કયાક તો ચાઇનીજ ડ્રેગન જેવા ચહેરાવાળા પાંખવાળા પક્ષીઓ ધ્યાન ખેચે છે.
પ્રાગમહેલની સામેના દરવાજા માથીઅંદર આવીએતો આયના મહેલ છે. પ્રવાસીઓ તે પહેલા જમણી બાજુ બે જાળીઓનુ કોતરકામ આપણને આનંદ વીભોર બનાવી બનાવી જાય છે. અંદર જવાના નક્ષી કામની પુર્વભુમીકા અહી બંધાય છે. કોતરકામ ની નાજુકાઇ સુક્ષ્મતા,સફાઇ આપણા અવ્યકત નિર્વચનની તથા સંપુર્ણ પણે અનુભવી શકાય તેવા છલોછલ આંનંદ ઉત્પન કરે છે.જેમાથી નહાતા નહાતા આપણુ આયના મહેલમાં પહોચીએ છીએ.
તેમા પણ સરસ કોતરકામ નક્ષીકામ વગેરે છે પણ તેના સીતમોલ લાકડાની ગોડવણી નોધનીય છે. બારીઓ પણજોવા જેવી છે. આ દરબારગઢનો સમગ્ર વિસ્તાર સ્થાપત્ય તેની દ્રષ્ટિએ ઘણો દર્શનીય છે. જે રાજાઓ અને કલાકારોની કળાદ્રષ્ટિના સંગમનુ પ્રતિક છે.
ભુજનુ સ્થાપત્ય અને સોંદર્ય
December 22, 2007
ભુજનુ સ્થાપત્ય અને સોંદર્ય
સ્થાપત્ય એ થીજી ગયેલુ કાવ્ય છે. એમ કોઇ સોંદર્યવેતાએ કહયુ છે આ વાત સાચી છે. સ્થાપત્ય એ સોંદર્યની પુંજ છે. તેને જેટલુ માણતા આવડે તેટલી તેની અનુભુતિ સઘન થાય છે. અને આનંદના મહાસાગરમાં તરવાનો જીવવાનો પરમ લાભ મળે છે.
સામાન્ય રીતે કચ્છને રણ કહેવાય છે. તે અર્ધ સત્ય છે. કચ્છ રણ નથી કચ્છમાં રણ છે. એક નાનકડો વિસ્તાર બાકીનો પ્રદેશ લોકોના હૈયા અને તેની ભાવનાઓથી હરીયાળો છે. તે સાથે સ્થાપત્ય અને શિલ્પથી કચ્છનો ખુણેખુણો જગમગે છે. કોઇ વેરાન કે નિર્જન જગ્યા પર મંદિર, મસ્જિદ કે વાવ નુ સથાપત્ય તે સ્થળને શોભા આપે છે.
ઈતિહાસમા પણ કચ્છની સ્થાપત્ય કળા વિકાસમા ફાળો આપ્યાની નોધ લઇએ તો દક્ષીણની ‘મણીમેખલા‘ નામની તામીલ કથામાં કચ્છના સ્થપતિઓએ દક્ષીણમાં મંદિરો બાંધ્યા હતા એવો ઉલ્લેખ છે. વળી કચ્છની પ્રાચિનતાના કારણે ગુપ્ત કાળથી સોલંકી કાળની શિલ્પ તથા સ્થાપત્યની અનન્ય શૈલીની મહત્વની કળીઓ પણ અહીથી મળે છે. તેવુ નિષ્ણાંતો કહે છે.
કચ્છના કોટાય, કંથકોટ, આયનામહેલ વગેરેના સ્થાપત્ય – શિલ્પો તો હવે વિસ્વ વિખ્યાત થવા લાગ્યા છે. તેઓ સંશોધન અને આકર્ષણના કેન્દ્ર બન્યા છે. તે વિષે ટુંકમા લખવુ કઠીન છે. તેથી વિષયને મર્યાદીત કરી અહી કચ્છના પાટનગર ભુજના સ્થાપત્ય – શિલ્પો વીષે જ જણાવવાનો પ્રયત્ન છે. વળી તેનો ઈતિહાસ અને પુરાતત્વને બાજુમાં રાખી તેમા જે સોંદર્ય છુપાયેલુ છે – જે જોવા છતા કયારેક નથી જોઇ શકાતુ માત્ર છીછરૂ દર્શન થાય છે – તેને વાચા આપવાનો પ્રયત્ન છે થોડા ઉંડાણથી જોવાની છુપી વીનંતી છે. બીજુ, આપણી આસપાસ વેરાયેલ સોંદર્ય તરફ ધ્યાન જાય તે બીજો હેતુ છે. ભુજમાં પણ અગણીત સ્થળે સ્થાપત્ય ના નમુના છે : તે નમુનાજ દર્શન માટે જ પસંદ કર્યા છે અને કેટલાકનુ અંગુલી નિર્દેશ કર્યો છે તે બધાને “જંમ્પીગ બોર્ડ” બનાવી, બીજાને શોધી નિરખવા જોઇએ તેવી અવ્યકત કામના પણ છે સોંદર્યની અખીલાઇનુ આછુ પાતળુ ભાન, તેની જાગૃતિ, આપણને આંનંદ લોકમા લઇ જશે. તો,ચાલો, ભુતકાળના ભવ્ય સોંદર્યધામોમાં ભુલા પડવાનુ નિમંત્રણ છે.
વિજય વિલાસ પેલેસ – માંડવી (કચ્છ).
December 15, 2007
વિજય વિલા
ત્રીજા ખેંગારજી સુધીના રાજવીઓને માંડવી આવવાનું થતું ત્યારે તે મોલાતમાં રહેતા, પરંતુ ખેંગારજીના કુંવર વિજયરાજજીને સ્વતંત્ર મહેલ બંધાવવાની ઇચ્છા થઇ અને તેમણે માંડવીની પશ્ચિમે લગભગ આઠેક કિ.મી. દૂર કાઠડા ગામ પાસે પોતા માટે જુદો મહેલ બંધાવ્યો. તે આ વિજય વિલાસ.
વિજયરાજજીએ લગભગ ૧૯ર૦ થી તેનો વિચાર કરવા માંડ્યો. ૧૯ર૭ માં બંધાવો શરૂ થયો હતો એવો એક અભિપ્રાય છે. પણ ત્યાંના જૂના કર્મચારી શ્રી ગઢવી પુનશીરાજે પોતાની જુની ડાયરીમાંથી તેની પાયાવિધિની તારીખ વિક્રમ સંવત ૧૯૭૯ ના વસંત પંચમી બતાવી. તેનો અર્થ ઇ.સ. ૧૯ર૩ ની ર૦મી ફેબ્રુઆરીએ તેની પાયાવિધિ થઇ હશે. તેના આર્કિટેકટ તરીકે જયપુરના શ્રી માધવરાવ, ઇજનેર તરીકે શ્રી છોટાલાલ સી. શેઠ, પાયો ભરનાર હરિરામ ઠક્કર તથા ઓવરસીયર તરીકે હિંમતલાલ ધોળકીયા હતા. મિસ્ત્રી બાલારામ હતા. પુનશીરામના અંદાજ પ્રમાણે તેનું ખર્ચ ૬૦ લાખ કોરી થયું હતું. પણ શ્રી પૃથ્વીરાજજીના અંદાજ પ્રમાણે ર૦ લાખ કોરીથી વધુ ન હોય. મહેલને બાંધતા બાર વર્ષ લાગ્યા હતાં. તેના આસપાસના ભાગને સજાવવાનું કામ પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી ઇન્દ્રજીએ કર્યુ. પ્લાન્ટેશન વિકસાવવાનું કામ નવસારીના નાગરજી દેસાઇએ કર્યુ. આજે તો ઘણું અસ્તવ્યસ્ત છે. સુકાવા લાગ્યું છે છતાં તેની ભવ્યતાની ઝાંખી જોવા મળે છે. મહેલની જાળવણીનું કાર્ય રાજયના ઇજનેર મહાપ્રસાદ દેસાઇ કરતા.
મહેલ સામે ઉભા રહીએં તો તેની ભવ્યતા આપણા સામે પ્રગટે છે. ત્રણ માળનો વિશાળ વિલા છે. ભોંયતળીયે આઠ ખંડ છે. પ્રથમ માળે પંદર ખંડો ખાલી છે. મહેલને ફરતા અગીયાર ઝરૂખા છે. આજે તો આ ખંડો ખાલી છે. પણ એક સમયે પુષ્કળ ફર્નિચરથી તથા રોમન-શિલ્પોથી શોભતા હતા. રૂમમાં જઇએં ત્યારે જુના કાશ્મીરી ગાલીચાની મુલાયમતા સ્પર્શી જાય છે. નીચેનાં બેડરૂમમાં ચાંદીના પાયાવાળો પલંગ પણ ધ્યાન ખેંચે છે.
પાછળની લોબીમાં બેસવાથી તેની પાછળ આવેલ બાગનાં દર્શન થાય છે. ફૂવારામંડિત બાગ એટલો સુંદર છે કે ત્યાંથી ખસવાનું મન જ ન થાય. વિજયરાજજી ઢળતી બપોરે ત્યાં બેસતા અને રંગો વચ્ચે નહાતાં.
વચ્ચે આવેલ ડાઇનીંગ હોલને હજી જૂની રીતે સાચવી રાખ્યો છે. ત્યાં જૂના વિરલ ફોટોગ્રાફસ અને પેઇન્ટીંગ્સને જોવા જેવા છે. હોલમાં દેશી પિયાનો લટાવ્યા છે. તેના મીઠા સૂર સમગ્ર ખંડમાં પથરાતા દેખાય અને આપણા અસ્તિત્વને ઝંકૃત કરી જાય છે. જૂનાં ચિત્રો સાથે શ્રી એલ.સી. સોનીનાં આધુનિક ચિત્રો પણ ખંડની શોભામાં વધારો કરે છે. પાસેનાં રૂમમાં ચાઇનીઝ પેટી-પટારા જોવા મળે છે.
પ્રથમ માળે જનાનખાતું હતું. તેની રચના પણ નીચેના રૂમો જેવી છે. માત્ર વચ્ચેના રૂમની જગ્યાએ અગાસી છે. ત્યાંની ઝીણી નકશીકામવાળી જાળીઓ મુસ્લિમ કળાનાં દર્શન કરાવે છે. તેના તોરણો દેલવાડાંની યાદ અપાવે છે. તેમાંથી સૂર્યનાં કોમળ કિરણો પસાર થાય ત્યારે તેની ગુલાબી ઝાંય મહેલને અવર્ણનીય રંગ અર્પે છે.
જુની મેલાત – માંડવી (કચ્છ)
December 15, 2007
જુની મેલાત
ભુજના રાજદરબાર જેટલો જ જુનો છે માંડવીમાં આવેલ ‘‘મોલાત‘‘. તે પણ અગત્યનો છે. માંડવીના દરિયાકિનારે આવેલ આ મહેલ કચ્છના મહારાવોનું પ્રિય સ્થળ રહેલ છે. કચ્છના રાજાઓને ભુજ પછી કોઇ પણ સ્થળનું આકર્ષણ રહ્યું હોય તો તે માંડવી શહેરનું છે. માંડવી બંદર આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. ભુજની ગરમીથી બચવા માંડવી ઉત્તમ સ્થળ બની શક્યું છે. વળી, તેનો દરિયાકિનારો પણ ઉત્તમ છે. શહેર પોતે પણ રમણીય છે. આર્થિક દ્રષ્ટિએ પણ તે સમયે ભારતનાં અગ્રણી બંદરોમાંનું એક ગણાતું હતું. વેપાર દ્રષ્ટિએ પણ સમૃધ્ધ ગણાયું છે. આ બધા કારણે રાજાઓને પણ તે પ્રત્યે આકર્ષણ રહ્યું છે.
આ બાબતને જ ખ્યાલમાં રાખીને રાવ લખપતજીએ માંડવીમાં આ નાનકડો મહેલ બંધાવ્યો હતો. તે ઘણો જુનો હોવાની તેના વિશે કોઇ લેખિત આધારો પ્રાપ્ત થતા નથી. માત્ર રસબ્રુકે પોતાનાં પુસ્તક The Black Hills માં તેનો ઉલ્લેખ કર્યો છે તે પરથી કર્ણોપકર્ણ જે વાતો સચવાઇ છે તેના વિશે જાણવા મળે છે.
આ મહેલનાં બાંધકામમાં પણ રામસિંહનો અગ્રફાળો હતો. તેનાં અન્ય ઉત્તમ સર્જનોની માફક મોલાત પર તેનો હાથ ફર્યો છે. બે માળવાળો આ નાનકડો મહેલ કળા – કારીગરીથી શોભે છે. મહેલ સામે ઉભા રહીએ તો પ્રથમ નજરમાં જ તેની વિશિષ્ટતા પકડાઇ જાય છે. મોટે ભાગે દરવાજા પર જે સિંહની મુખાકૃતિ ગોઠવવામાં આવે તે સામામુખવાળી હોય છે, પરંતુ અહિં બાજુમાં મુખવાળા સિંહો રાખ્યા છે. બારણા પાસેના દરવાનો પણ વિદેશી ઢબવાળા પોષાકથી આભુષિત છે.
મોલાતના મુખ્ય દરવાજાની જમણી બાજુમાં મેદાનમાં ઉભા રહી તેની ભીંત પર નજર કરવામાં આવે તો આંખો તેના શિલ્પોમાં સૌંદર્યથી છલકાઇ જાય છે. તેનાં શિલ્પો ભીંત પર સ્થિર નૃત્યો કરતાં દેખાય છે ! પ્રથમ નજર પડે છે કલામંડિત રથ પર. ગીતાના કૃષ્ણ અને અર્જુન આપણાં મનઃચક્ષુ સામે તરી આવે છે. તેની બાજુમાં ગોખ નીચે, પુરૂષાકૃતિઓ પણ ધ્યાન ખેંચે છે. બાજુમાં પ્રાણીઓના શિલ્પો વેરાયેલાં છે.
શિલ્પો પર રામસિંહના વિદેશ પ્રવાસની ગાઢ અસર દેખાય છે. તેમણે હોલેન્ડમાં જોયેલ સભ્યતાની સ્મૃતિ શિલ્પોમાં દેખાય છે. નૃત્ય કરતી છોકરીઓ તથા હાથમાં દારૂની પ્યાલી લઇ નાચતા મસ્તીખોર ડચ લોકોનાં શિલ્પ પણ આંખમાં વસી જાય છે. જેમ આંખ ફરતી જાય તેમ તેમ અનન્ય માનવ આકૃતિઓ આપણા સામે રજુ થાય છે. તેના પર તડકો-છાયો પથરાય છે. હવે તો તેના પર ચૂનાના થર જામી ગયા હોવાથી તેની નજાકત તૂટતી જાય છે. છતાં પોતાનું બચ્યું સૌંદર્ય આપણાં સામે પુરૂં પ્રગટ કરે છે.
અંદરના ખંડોમાં ફરીયે તો પણ ખૂણે ખાંચરે તેનું શિલ્પ જોવા મળે છે. છતો નીચે મનોરમ્ય નકશીકામ દેખાય છે. અંધારામાં જાણે પ્રકાશ પથરાઇ જાય છે. આ મહેલ પણ ઐતિહાસિક રહ્યો છે. રાવ લખપતજી જયારે માંડવી આવતા ત્યારે ત્યાં રહેતા. પછીના રાજાઓએ પણ તેનો ઉપયોગ કર્યો છે. રાવ રાયધણજી બીજાનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે. તેમણે પ્રજાની ધર્માન્તરની પ્રક્રિયા શરૂ કરી અને માંડવી પર આક્રમણ કર્યુ ત્યારે કેદ પકડાયા અને આ મોલાતના બીજા માળે તેમને નજર કેદ કર્યા હતા એવી લોકવાયકા છે. તેમની પ્રકૃતિ ઉશ્કેરાટ ભરી હોવાથી, તે સહન ન કરી શકતા આ બંધનને અને ઉશ્કેરાટમાં થાંભલા પર તલવારનો ઘા કરતા ઘાના લસરકા હજી પણ થાંભલાઓએ સાચવી રાખ્યા છે.
મહારાવશ્રી ખેંગારજી ત્રીજાને પણ આ સ્થળ અતિપ્રિય હતું. તે પણ માંડવી આવતા ત્યારે ત્યાં જ રાત્રી નિવાસ કરતા. ત્યાંથી જ વહીવટ ચલાવતા. સાંજે શિલ્પમંડિત ભીંત સામેના ઓટલા પર બેસી દરબાર ભરતા અને ન્યાયનું કાર્ય કરતા ક્યારેક કોઇને દેહાત દંડની સજા કરવી પડે તો સૌંદર્ય વચ્ચે પણ ઉદાસ થઇ જતા અને એક દિવસનો ઉપવાસ જાહેર કરતા અને ઓટલા પર ઉદાસીન થઇ બેસી રહેતા. આ રમણીયતા અને ઠંડક તેમની ગમગીની ઓળખવામાં ખૂબ મદદરૂપ થતી હશે.
પ્રાગ મહેલ – ભુજ(કચ્છ).
December 15, 2007
નગારાખાના દ્વારા દરબાર ગઢમાં પ્રવેશ કરીએં તો જમણી બાજુ પ્રથમ જૂનો રાજગઢ આવે. તેના સામે નવો પ્રાગ મહેલ અને મોલાત દેખાય છે. તે રાવ પ્રાગમલજીએ (૧૮૬૦-૧૮૭પ) બંધાવ્યો છે. રાવ પ્રાગમલજીને બાંધકામનો ખૂબ જ શોખ હતો. તેમના પંદર વર્ષના શાસનમાં તેમણે તે શોખને પૂરો કર્યો હતો. છેક ઇટાલીથી કારીગરો બોલાવીને, તે સમયે વીસ લાખ રૂપિયા ખર્ચીને, પ્રાગમહેલનું સર્જન કર્યુ હતું. આવો આધુનિક મહેલ ભારતમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. તેના સામે ઉભો તો પ્રથમ ઉંચું ટાવર દેખાય છે. આવું ભવ્ય ટાવર સમગ્ર ભારતમાં જોવા નથી મળતું. તેના મીઠા ટકોરા ચોવીસે કલાક આખા ભુજમાં સંભળાય છે. (હાલે બંધ છે) તેની નીચેના દ્વારમાંથી થઇ પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી થઇ તેના દરબાર હોલમાં પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી તઇ તેના દરબાર હોલમાં પ્રવેશો છો. વિશાળ દરબાર હોલ તરત જ આગંતુકનું મન હરી લે છે. તેમાં સુંદર ફોટાઓ, પ્રાણીઓના સાચવેલા શરીરો, તેનું કોતરકામ, ગેલેરી, જાણે જોયા જ કરીએં. આ હોલ છોડવાનું મન જ ન થાય.
ત્યાંથી આગળ વધીએં તો ટાવર બાજુ જવાય. ત્યાં ટાવરની ઘડિયાળની મશિનરી જોવા મળે. ટાવરના છેક ઉપલા માળે પહોંચી ઘુમ્મટ નીચે ઉભી જોઇએં તો સમગ્ર ભુજ અને આસપાસનો વિસ્તાર જોવા મળે. સામે હિલોળા લેતું તળાવ, ભુજીયો, એરપોર્ટ, સુરલભીટ્ટ વગેરેના દર્શન થાય છે અને મન ગદગદીત તઇ જાય છે. તેનું બાંધકામ તો જાણે નીરખ્યા જ કરીએં છીએં. તેની આસપાસ જુદા જુદા ખંડો છે જેમાં હવે સરકારી ઓફિસો તથા બેંક બેસે છે.
દરબાર ગઢમાં આ ઉપરાંત સામે રાણીવાસ છે. ત્યાંના પણ આસપાસવાળા ઓરડાઓ જોવા જેવા છે. તે પણ અનેક રાજકીય બનાવોની સાક્ષી પૂરે છે. દરબાર ગઢ આસપાસ ગઢ છે. તેના વિવિધ ખૂણે દરવાજાઓ છે. પાળેશ્વર તરફ જે દરવાજો છે તેને ‘‘ખૂની દરવાજો‘‘ કહે છે. રાજવીના કુટુંબના સભ્યનું મૃત્યુ થાય તો તેનું શબ ત્યાંથી બહાર નીકળતું. (નગારાખાનામાંથી બહાર નીકળી ન કશે તે રિવાજને કારણે) સોનીવાડ પસે જે દરવાજો છે ત્યાંથી નવરાત્રી સમયે આશાપુરા માટેની ઝાલર નીકળતી. પ્રાગમહેલ પાછળ મલ્લો માટેનું મેદાન તથા સ્નાનાગાર આવેલ છે. તેના મનવિલાસ ચોકમાં દરબાર ભરાતો તથા દિવાળીમાં દારુખાનું ફોડવામાં આવતું.
આજે પણ તેની ભાંગી-તૂટી ભવ્યતા અકબંધ છે. પ્રવાસીને હજી પણ તે આકર્ષે છે અને રાજાશાહીની ઝાંખી કરાવે છે.
દરબાર ગઢ – ભુજ (કચ્છ).
December 15, 2007
દરબાર ગઢ
ઇ.સ. ૧પ૪૯ માં રાવશ્રી ખેંગારજી પહેલાએ ભુજમાં તોરણ બાંધ્યુ. ત્યાં તેમણે “ટીલામેડી” બનાવી, તે જ દરબાર ગઢનો પાયો. પછી તો તેમના વંશજો આવતા ગયા તેમ તેમ પોતાપોતાની રૂચિ મુજબ તેમાં ફેરફારો કરતા ગયા, અને મેડી દરબારગઢમાં ફેરવાતી ગઇ. તેનો વિસ્તાર વધતો ગયો. રાવ ગોડજી તથા દેશળજી પહેલાના સમયથી તેનામાં કલાત્મકતા ઉમેરાઇ.
આ બધામાં ઉલ્લેખનીય રાવ લખપતજી (સન ૧૭૫ર-૬૧) તે પોતે ઉત્તમ કળાવાંચ્છુ તથા સાહિત્યસેવી હતા, અને તેમને મળી ગયો રામસિંહ માલમ – યુરોપીયન કળાનો સિધ્ધહસ્ત કળાકાર ! મહારાવ અને માલમના સ્વપ્નાનો આકાર – સાક્ષાત્કાર – એટલે દરબાર ગઢમાં આવેલ “આયના મહેલ” . રામસિંહની એ કલ્પનાને સાકાર કરી કચ્છના પરંપરાંગત દહિસરિયા સુતારો પૈકી ગઇધર દેવશીએ ને આયના મહેલ સર્જાયો. આજે પણ તે અજોડ ગણાય છે. હવે તો તે ‘‘મહારાવ મદનસિંહજી મ્યુઝિયમ અને કલાઅટારી‘‘ માં ફેરવી નાખવામાં આવ્યો છે અને પ્રજા માટે ખુલ્લો મુકાયો છે. પરંતુ તેના ખંડો અને તેમાં સાચવેલ ઐતિહાસિક વસ્તુઓને નીરખીએં તો મહારાવનો કળાપ્રેમ તથા રામસિંહની દ્રષ્ટિ પ્રત્યે સલામ ભરવાનું મન થાય.
ભુજમાં આવેલા હોળી ચકલાના નાકામાં પ્રવેશો એટલે દરબારગઢના ચોકમાં પ્રવેશો છો. ત્યાં સામે પ્રથમ નગારખાનું આવે. તેના દરવાજામાં પ્રવેશો એટલે જુના રાજગઢમાં આવો છો. ત્યાંથી આગળ વધી જુના ધુઆરની દોઢીને જોડાતા અટારિયા દરવાજામાંથી થઇ ‘‘મન-વિલાસ‘‘ ચોકમાં આવીએં કે તરત આયના મહેલ આવે છે. તેના પ્રવેશદ્વવાર પાસે જ ‘‘કચ્છ વર્ક‘‘ ની નકશીદાર ઝાળી દેખાય છે. તેનું ઝીણવટભર્યુ નકશીકામ ત્યાંથી પસાર થનાર કોઇ પણ વ્યકિતનું ધ્યાન તરત ખેંચે છે. તેમાંથી અંદર પ્રવેશો એટલે ઝરૂખો દેખાશે, જે આગળ લોબી હતી. હવે તેને મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવી છે. ત્યાંથી ‘‘શીત મહેલ‘‘ માં પ્રવેશ મળે છે. ખંડના મધ્યમાં ૫૮૪ x ૬ર૮ સે.મી. માપનું પ્લેટફોર્મ (પેઢલી) છે. તેના પર પશ્ચિમાભિમુખ મહારાવ લખપતનું શ્વેત સંગેમર્મર સુંદર આસન ગોઠવેલ છે. તેના પર હવા નાખવા માટે બુટાદાર મોર ભરેલો ઝુલણ પંખો લટકાવ્યો છે. ચારે બાજુ સંગીતના વિવિધ સાધનો ગોઠવ્યા છે. પગટેકણીયા પાસે મહારાવની ચાખડી છે. તેને પહેરીને ચાલતા ત્યારે કમળફૂલ આકારનું તેનું આંગણી ટેકણ ખટક અવાજથી ઉઘાડબંધ થતું અને તેમાંથી અતરરસ્યું કંકુ રેલાતું.
આ બેઠકમાં ફરતે ૭૦ સે.મી. ઉંડો અને ૧૭૦ સે.મી. પહોળો હોજ બનાવ્યો છે. તેમાં ફૂવારા ગોઠવ્યા છે. તેની કિનારી ફરતે કૃત્રિમ કમળ ફૂલની દીપની હારમાળા મૂકી છે. તેની પાછળ ફરતે ર૧પ સે.મી. લાંબી પરશાળ છે. તેની થાંભલીઓ પર વિવિધ છબીઓ મૂકી છે. તેની ચારે તરફ ૩ર૦ સે.મી. ની ઉંચાઇની પથ્થરનાં ચણતરની દિવાલ છે. તેના પર આવેલ ચૂનાની ભારે છત્ત માત્ર લાકડાકામ પર ટેકવેલ છે. દિવાલ પર મૂકેલ જાડા લાકડાની પાટો પર મૂકેલ દરેક ખૂણે પાંચ એવા ૫૦૦ સે.મી. મોટા સવલણના ર૫ ગુંધાના આધારે ટેકવેલ છે. છત અને દિવાલ વચ્ચેના ખુલ્લા ભાગને ૩૦૦ સે.મી. ઉંચી લાકડાની કમાન દિવાલથી ઢાંકી દીધેલ છે. રાવ લખપતજીએ આ ખંડમાં મનોરમ્ય વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કર્યો છે. સૂર્યનો સીધો પ્રકાશ પણ ન આવે છતાં તેની છાયા નિયંત્રિત થવાથી ખાસ પ્રકારનું અંધારૂં તેમાં થાય અને તેમાં ઝગમગતા દીવડાઓથી અને ઝુમ્મરોથી એક પ્રકારનું માદક વાતાવરણ ઉભું થાય. મહારાવ અહીં દરબાર ભરતા, નૃત્ય જોતા અને કાવ્ય સર્જન પણ કરતા..
તેના પાસે ‘‘બહારમોલ‘‘ છે. તે વાસ્તવમાં આયના મહેલ છે. તેની થાંભલીઓ અને છત પર આભલાંજડિત અરીસાઓ જડેલા છે. ખંડમાં વિવિધ દેવોની કાષ્ટમૂર્તિઓ રાખેલ છે. કચ્છના મહારાવોનાં તથા મોઘલોનાં ચિત્રો પણ રાખેલાં છે જે અભ્યાસનીય છે.
આ ખંડની વચ્ચે ‘‘હીરામોલ‘‘ છે. તે મહારાવનો શયનખંડ છે. તેની ભીંત આરસની છે. છતમાં સોનાની કિનારીવાળા આયના જડી દિવાલને હીરાજડિત વેલબૂટાની બાંધણી ભાતથી અલંકૃત કરી છે. ડાબી બાજુ સુવર્ણના પાયાવાળો ઢોલીયો છે. તેના પર (હવે) લખપતજીની હીરાજડિત ઢાલ-તલવાર રાખવામાં આવેલ છે. ખંડમાં મહારાવનો શોખ પ્રગટ કરતી અને રામસિંહની કળાદ્રષ્ટિની કમાલ દેખાળતી વસ્તુઓ ગોઠવી છે.
ત્યાંથી જનાનખાના (રાણીવાસ) માં જવાના દરવાજા પર બેસાડેલ કમાડ હાથી દાંતના છે. તે લખપતજીના પિતા ગોડજીના સમયમાં ૧૭૦૮ માં બનાવેલ છે. તેની સૂક્ષ્મતમ નકશી જોનાર આશ્ચર્યવત જ બને છે. અનેકે તેની માંગણી કરી છે, પણ સદભાગ્યે, તે આજે પણ મ્યુઝિયમમાં જ સચવાયેલ છે.
આયના મહેલમાં અનેક વસ્તુઓ જોવાલાયક છે. તેમાં મુખ્ય છે ૧પપ વર્ષનું જુનું કચ્છી બનાવટનું અદભુત ઘડિયાળ. તે દર મિનિટે મધુર રણકારવાળો ટકોરો કરે છે. તે સાલ, માસ, તિથિ, ચોઘડીયાં, કલાક, મિનિટ, સેકન્ડ, સુર્યોદય, સુર્યાસ્ત તથા ચંદ્રકળા બતાવે છે. આજે પણ તે ચાલુ છે. તેના સામેની ભીંત પર રાવ પ્રાગમલજીના સમયમાં યોજાતી નાગપંચમીની ભુજીયાની સવારીની ચિત્રપટ્ટી પણ જોવાલાયક છે. તેમાંથી રાજદરબારની રસમો તથા લોકજીવનનાં દર્શન થાય છે.
વધારે વિગતો અને ફોટોગ્રાફસ www.kutchguide.com પર મૂકેલ છે.
કચ્છના રાજમહેલો
December 15, 2007
કચ્છના રાજમહેલો
આજે તો આપણે એક સ્વતંત્ર પ્રજા છીએં. બ્રિટિશરોથી તથા રાજાશાહીથી મુકત થયે આપણને ૬૦ વર્ષ પૂરા થઇ ગયા છે. આઝાદીની મીઠી-મધુર સુગંધ આપણે માણી રહ્યા છીએ. નવી પેઢીને તો બ્રિટિશરો કે રાજાઓ કોણ હતા તેનો અંદાજ પણ નહીં આવે, માત્ર ઇતિહાસનાં પાઠ્ય પુસ્તકોમાં તેના વર્ણન વાંચી અંદાજ કરશે.
પરંતુ તે પણ એક યુગ હતો. તેની પણ પોતીકી આબોહવા હતા. તેનો પણ એક વિશિષ્ટ ઇતિહાસ હતો અને એક પરંપરાપ્રેમી પ્રજા તરીકે આપણે તે ઇતિહાસને જાણવો જરૂરી બની જાય છે. ઘણીવાર ઇતિહાસથી વર્તમાનને વધુ સમજી શકાય છે. આ દ્રષ્ટિએ ઇતિહાસ પર એક નજર કરશું તે અયોગ્ય નહીં ગણાય.
બ્રિટીશ સમયમાંના અનેક રાજાશાહી રાજયોમાં કચ્છ પણ એક રાજય હતું. અન્ય રાજયો કરતાં તે પોતાની વિશિષ્ટ ભૌગોલિકતા ધરાવતું હતું. તે થોડુ સ્વતંત્ર પણ હતું. ભારતના અન્ય રાજયો તથા બ્રિટિશરો સાથે તેના વિશિષ્ટ સંબંધો હતા. તે ઇતિહાસનું અધ્યયન થવું જરૂરી બને છે. આજે તો ઇતિહાસ ભુંસાતો જાય છે.
ભવિષ્યમાં જયારે કેવળ ભૌતિક સ્થળો બાકી રહેશે ત્યારે તેના આધારે ભૂતકાળને નીરખવાનો રહેશે. રાજાશાહીનો ગીચ ઇતિહાસ છે. તેના રાજમહેલો દરેક રાજવીની કથાનો પદ્ધ્વનિ આપને સંભળાવે છે, સાંભળતા આવડે તો ! મહેલો રાજાની સંસ્કારિતાના દર્શન કરાવે છે, તેના શોખની ઝાંખી કરાવે છે, તેના વૈભવનું પ્રદર્શન કરાવે છે.
કચ્છ એકતંત્રી રાજાશાહી નીચે રહ્યું છે. અહીંનો વિસ્તાર વિશાળ હોવા છતાં લગભગ ચારસો વર્ષ સુધી એક જ વંશે સમગ્ર કચ્છ પર રાજ્ય કર્યુ છે. તેથી સત્તાનું કેન્દ્ર પાટનગર ભુજ જ રહ્યું છે. તેથી મુખ્ય રાજમહેલ ભુજમાં જ હોય તે સ્વાભાવિક છે. ભુજની બહાર કોઇ સ્થળ ગમી ગયું હોય યા પિતા સાથે મતભેદ થવાથી કોઇ યુવરાજે પોતાનો અલગ મહેલ બંધાવ્યો હોય તો અન્યત્ર મહેલ જોવા મળે. કચ્છમાં એવા બે-ત્રણ મહેલ દેખાય છે. તે બધા પર દ્રષ્ટિ કરવી રસપ્રદ બનશે.
રાજમહેલની વ્યાખ્યા છે કે જ્યાં રાજા તેના કુટુંબ કબીલા અને નોકરો સહીત કાયમી નિવાસ કરે. ત્યાં જ તેનો વહિવટ ચાલે. એટલે મહેલ કૌટુંબિક તથા રાજકીય બન્ને બાબતોનું કેન્દ્રિત સ્થળ હોય.
આ દ્રષ્ટિએ જોઇએં તો ભુજમાં આવેલ દરબાર ગઢનું સંકુલ (Complex) જ માત્ર રાજ મહેલની વ્યાખ્યામાં આવી શકે છે. બાકી બધા તેના સાથે એક યા બીજા હેતુસર જોડાયેલા મહેલો ગણી શકાય. તેથી ભુજમાં દરબારગઢ પર પ્રથમ દ્રષ્ટિ કરીએં.